જેસલ તોરલની સમાધિ લોકકથા
જેસલતોરલની સમાધિ લોકકથા
કથા જાણવા જેવી, રોમાંચક તેમજ જ્ઞાનયુક્ત અને પ્રેરક છે. લોકકથા કહે છે : ૧૪મી સદી ના મધ્ય સમયની વાત. જેસલ પ્રબળ પરાક્રમી ને શક્તિશાળી લૂંટારો, સ્વચ્છંદી અને નિરંકુશ. કારણે આકારણે લોકોને રહેંસી નાખવા એ તેને મન રમત વાત પરાક્રમ ના અભિમાન એ, શક્તિ ના ગર્વે તે ઉત્તરોત્તર બેફામ બનતો જાય છે. લુંટારાઓ પણ જેની આમન્યા રાખે તેવા ધોરણો ને પણ તે અહંકાર ના અંધાપા માં કોરાણે મૂકે છે.
કુંવારી જાન લૂંટે છે, મોડબંધા ને હણે છે, વન ના મોરલા મારે છે તેની આક્રમકતા નો કોઈ આરો નથી, કોઈ આડશ નથી .
આ જેસલ ની ઈચ્છા નો અંત નથી. જે ગમી જાય તે ઝુંટવી ને લાવાની તેને આદત. ને એક વાર તેને ગમી ગઇ કાઠિયાવાડ ના સલડી ગામના સુપ્રસિદ્ધ કાઠી ભગત સાંસતિયાજીની પાણીદાર ઘોડી "તોરી" ને તે સાથે જ તેણે જેની ખૂબ પ્રસંશા સાંભળી હતી તે સાંસતિયાજી ની અનુપમ રૂપવાન પત્ની તોરલ !
જેસલ ની દાઢ સળકી, ને ગમતાં ને ઘેર લાવવા તે વિવશ બન્યો. એક રાત્રે.....
સાંસતિયાજી ને ઘેર જાગ હતો. ભક્ત મંડળ ભજન પૂજન માં મગ્ન હતું ત્યારે જેસલ છુપાઈને સાંસતિયાજીની ઘોડાર માં પહોંચ્યો. અંધારા માં અજાણ્યા આદમીના આગમન થી જાતવાન ઘોડી ચમકી ને જમીન માંથી ખીલો ખેંચીને ખીલા સહિત ભાગી ગઈ ભગત પાસે.
તો સાંસતિયાજી નો રાવત વ્યાકુળ ઘોડી ને શાંત પાડીને પાછો ઘોડાર માં દોરી લાવ્યો ને ખીલો પાછો જમીન માં ખોદવા લાગ્યો, ત્યાં અચાનક અજાણતા ખીલો ખોડાઈ ગયો ઘાસ માં છુપાઈ રહેલા જેસલ ના હાથ પર ને જેસલ જડાઈ ગયો જમીન સાથે. પણ નામરદ દેખાવાના ડરે તેણે ન પાડી ચીસ કે ન કર્યો ચિત્કાર. ભયંકર વેદના સહન કરતો તે ત્યાં જ પડ્યો રહ્યો.
સાંસતિયાજી ની પૂજા પૂરી થઈ. પ્રસાદ વહેંચ્યો. પણ થોડો વધ્યો. આશ્ચર્ય, કારણકે એ સ્થાનક નો પ્રભાવ જ એવો હતો વગર માપે કરેલો પ્રસાદ પણ સૌને બરાબર વહેંચાઈ રહે. હાજર હોય એ સૌને પહોંચે.ન ઘટે કે ન વધે.તો આ વધ્યો કોના ભાગનો ?
ત્યાં ઘોડાર માંથી ઘોડી ના ધમપછાડા સાંભળી સાંસતિયાજી ઘોડાર માં ગયો. તેમણે જમીન સાથે જકડાયેલા જેસલને જોયો. તેની સહનશક્તિ થી તે છક થઈ ગયા. તેને ત્યાંથી મુક્ત કર્યો ને સાંસતિયાજી અને તોરલે તેની સરભરા કરી.
પણ જેસલ જેનું નામ. સવાર થયે ઈસ્છા વ્યક્ત કરી તોરી ઘોડી અને તોરલ ને લઇ જવાની સૌને આઘાત થયો, પરંતુ સાંસતિયા તો સાચો સંત. તેના ભક્ત હ્રદયે શરત મૂકી : જેસલ ભક્તિ માર્ગે વળે તો તેની માગણી તે પૂરી કરશે. જેસલે ઈસ્છા ના અનિરુદ્ધ દબાણ ને વશ થઈ તે શરત સ્વીકારી.
સંતે વચન પાળ્યું ને ઘોડી અને પત્નીને આપીને જુલમી ભારાડી જેસલ ને ભક્તિમાર્ગ એ વાળવાનો અને ઉદ્ધારવાનો ઈલમ કર્યો.
ને જેસલ તોરલ રાણીને લઈને ચાલી નીકળ્યો.
પણ સંત ની નિષ્કામ ઉદારતા દીઠી તેમ સતી નો પરચો બાકી હતો. કાઠિયાવાડ થી કચ્છ આવતાં સમુદ્રની ખાડી ઓળંગવી પડે. જેસલ તોરલ વહાણ માં ચઢ્યા. પણ મધદરિયે પ્રચંડ વંટોળ ઉઠયાં. વિનાશક વાવાઝોડુ ફૂંકાયું. વહાણ પ્રચંડ મોજાં પર ફંગોળા વા લાગ્યું. અને ડૂબું ડૂબું થઈ ગયું.
ચોપાસ થી ભિંસાંતું મૃત્યૃ આંખ સામે દેખાતાં ભડ જેસલ પણ ભયભીત થઈ ભાંગી પડયો. એની આભાસી વીરતા ઓસરી ગઈ. ભીતર ની નિર્બળતા પ્રગટ થઈ. વીર જેસલ ભય થી વ્યાકુળ બની ગયો.
સતી તોરલ એ આ પારખ્યું અને જીવન મૃત્યૃ વચ્ચેની નાજુક ક્ષણે ક્ષણે એને જેસલ ને જીવન નું રહસ્ય સમજાવ્યું. સતનો મારગ ચિંધ્યો. જેસલ નો હૃદય પલટો થયો. વાસના વ્યાકુળ અને સંહારક લૂંટારો સતધર્મી ને સંત બની ગયો. આંખ આગળ ના પડળ ખસી ગયા.
ને સતીના શબ્દે પ્રગટાવેલી જ્યોતના તેજમાં તેણે તલવાર મૂકી એકતારો ઉઠાવ્યો ! "પાપ તારું પરકાશ જાડેજા...." અને "જેસલ કરી લે વિચાર" જેવાં સુપ્રસિદ્ધ લોકગીત માં આ કથા ને તોરલ ની જ્ઞાનવાણી અમરત્વ પામી છે ને ભજનિકો ને કંઠે ઘેર ઘેર ગુંજી રહી છે.
ટિપ્પણીઓ